વચનામૃત ગઢડા મધ્યનું - ૪૭

સંવત ૧૮૮૦ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દેઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુઃખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં-દૂધ, ગળ્યું-ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા-પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે. શા માટે જે શિશ્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે જે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જાવું નહિ અને જે ખાધાપીધાની લાલચે કે લૂગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો; તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો ને એવો મલિન આશયવાળો હોય તે અંતે જાતાં વિમુખ થાય અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે, માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. (૧) કેમ જે આ સભા તો બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે. અને પંચવિષય છે તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે તોપણ હજુ લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ, કે બે વર્ષ, કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થાશે પણ નહિ માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સોતા મરવું નહિ અને આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. (૨) ને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જાશે તોપણ કાંઈ ચિંતા નથી જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાઈ-ધોઈને પવિત્ર થાવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતાં રાખતાં બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાણું તો એમ જાણવું જે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક-ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંઈ ન રહેવું એમ નિશ્ચય રાખવો. (૩) અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ, જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ, તેમ આપણી ગૃહસ્થ અન્ન-વસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતેચીતે કરીને ચાકરી કરવી એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૪૭।। (૧૮૦)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા અને મુમુક્ષુઓએ સત્પુરુષ દુઃખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહીં. (૧) ને આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જાવાની વાસના રાખવી. (૨) અને અશુભ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનો નિશ્ચય રાખવો. (૩) અને ગૃહસ્થોએ અન્ન-વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતેચીતે કરીને સેવા કરવી. (૪) બાબતો છે.

       પ્ર. પહેલી બાબતમાં સાધુને માણસાઈએ રાખવા એમ કહ્યું તે સાધુને કેવી રીતે રાખે તે માણસાઈએ રાખ્યા કહેવાય ?

       ઉ. ઉપદેશ આપીને તેના જીવમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજીમહારાજનો મહિમા દૃઢ કરાવે તો તે સાધુ જીવંત પર્યંત સત્સંગમાં રહે તે માણસાઈએ રાખ્યા કહેવાય. અને આવું જ્ઞાન દૃઢ ન કરાવ્યું હોય ને પદાર્થ આપીને તથા ખવરાવી-પિવરાવીને પંપોળીને રાખ્યો હોય તો તે સત્સંગમાં રહીને જીવંત પર્યંત ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહેલી જે આજ્ઞા તે પ્રમાણે વર્તી શકે નહિ તે માણસાઈએ રાખતાં ન આવડ્યું કહેવાય. અને બીજો અર્થ એ છે જે શ્રીજીમહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે અખંડ દેખતા હોય ને પંચવર્તમાન પાળતા-પળાવતા હોય એવા સાધુની અનુવૃત્તિમાં રહીએ તો તે રાજી થઈને આપણા ભેળા રહે અને જો અનુવૃત્તિમાં ન રહીએ તો તે આપણા ભેળા ન રહે માટે સાધુની અનુવૃત્તિમાં રહીએ તો સાધુને રાખતાં આવડ્યા કહેવાય.

       પ્ર. બીજી બાબતમાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપની સભા જેવી આ સત્સંગીની સભા કહી અને (છે. ૨/૨ માં) એ બે ધામની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે તે કેવી રીતે સમજવું ?

       ઉ. નિર્વાસનિકપણામાં સરખી કહી છે, પણ ઉપાસનામાં તથા પ્રાપ્તિમાં સરખી નથી કહી; માટે આવી નિર્વાસનિક સભામાં આવીને મલિન વાસના ન ટળી તો બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે એમ કહ્યું છે.

       પ્ર. આમાં વિષય ભોગવીને તૃપ્ત થવાશે નહિ એમ કહ્યું ને (મ. ૨૫ના પહેલા પ્રશ્નમાં) વિષય ભોગવીને તૃપ્ત થાશે ત્યારે વૈરાગ્ય પામશે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?

       ઉ. આમાં વિષયની આસક્તિવાળાને વિષયની વાસના મુકાવવા સારુ ઉપદેશ કર્યો છે અને (મ. ૨૫માં) મોક્ષના માર્ગમાં વિષયને બંધનકારી જાણીને ઘર મૂકીને ત્યાગી થયો હોય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળતો હોય ને અંતરમાંથી વિષયભોગની ઇચ્છા ન ટળી હોય તેને દેહ મૂક્યા પછી ભગવાન વિષય આપે ને તેના ભેળું જ્ઞાન પણ આપે તેથી તે એમ વિચાર કરે જે મારે ભગવાનના ધામમાં જવું છે ને હું આવા તુચ્છ ને દુઃખદાયી વિષયમાં બંધાઈ રહ્યો છું, એમ પશ્ચાત્તાપ કરીને શ્રીજીમહારાજનું ભજન કરીને નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય એમ કહ્યું છે.

       પ્ર. નારદ-સનકાદિકને તો પરોક્ષ ભગવાનની ઉપાસના છે અને તે કાંઈ શ્રીજીમહારાજના તેજરૂપ જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તે રૂપ થયા નથી માટે નારદ, સનકાદિક ને શુકજી જેવા બ્રહ્મરૂપ થવાનું કહ્યું તે કેમ સમજવું ?

૪      ઉ. પોતાની સાથે લાવેલા મુક્તાનંદ સ્વામી આદિક સિદ્ધમુક્તોનાં નારદ, શુક, સનકાદિક એવાં ઉપનામ પાડ્યાં હતાં તે નામ કહ્યાં છે. તે મુક્તના જેવા બ્રહ્મરૂપ થવું એમ કહ્યું છે. ।।૪૭।।